રસ્તા ઉપર વાહન ચલાવવા બાબતે ઘણી વખત તમે ઝઘડા થતા જોયા હશે. લોકોને આવતા જતા એટલી ઉતાવળ હોય છે કે ઘણી વખત સ્પીડમાં તે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. તેવામાં વળી કેટલાક લોકોનો સ્વભાવ એવો હોય છે કે તેઓ આગળ ધીમે જતા વાહન થી પણ ગુસ્સે થઈ જાય છે અને તેમને કોઈ પણ ભોગે સાઈડ લઈને આગળ વધી જવું હોય છે.
આ પ્રકારનો સ્વભાવ ક્યારેક માણસને મુશ્કેલીમાં મૂકી દે છે. આવા સ્વભાવના કારણે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના રામપુર ગામના બે વ્યક્તિઓને પોલીસના ધક્કા ખાવા પડી રહ્યા છે. આ બંને વ્યક્તિઓએ સાઈડ કાપી અને આગળ વધવાની ઘેલછામાં એક વ્યક્તિને ઢોર માર માર્યો હતો. જોકે જે વ્યક્તિ ને મારી મારીને અધમરો કરી દેવામાં આવ્યો તે વ્યક્તિ આગળ કોઈ વાહનમાં નહીં પણ બળદગાડું ચલાવી રહ્યો હતો.
વડીયા તાલુકાના રામપુર ગામમાં શંભુભાઈ નામના એક ખેડૂતને રસ્તા પર બળદ ગાડું ચલાવવા બાબતે માર મારવામાં આવ્યો અને હવે તે હોસ્પિટલના બીછાને પહોંચી ગયા છે. 42 વર્ષીય શંભુભાઈ તેના ઘરેથી વાળી સુધી બળદગાડું લઈને જતા હતા. વાડી સુધીનો રસ્તો ખૂબ જ સાંકડો અને કાચો હોવાથી તે રસ્તા ઉપર એક જ વાહન પસાર થઈ શકે તેમ હતું. શંભુભાઈ પોતાનું બળદ ગાડું લઈને વાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની પાછળ એક બાઈક આવી. બાઈક પર તે જ ગામના હસમુખભાઈ અને ધમાભાઈ નામના વ્યક્તિ સવાર હતા. એક જ ગામના હોવાથી તેઓ પણ સારી રીતે જાણતા હતા કે રસ્તો સાંકડો છે અને ગાડુ પાર કરીને આગળ વધી શકાય તેમ નથી તેથી ધીમે જ વાહન ચલાવવું પડશે.
પરંતુ બંને વ્યક્તિઓનો ક્રોધ કાબુમાં રહ્યો નહીં અને તેઓ પાછળથી આગળ જઈ રહેલા બળદગાડાને જોર જોરથી હોન મારીને સાઈડ આપવાનો ઈશારો કરવા લાગ્યા. બળદગાડું ચલાવતા શંભુભાઈ પણ સમજી ગયા પરંતુ રસ્તો એવો હતો કે બાઈક ને આગળ સાઈડ આપવી શક્ય જ ન હતી. થોડી જ મિનિટોમાં બાઈક સવાર હસમુખભાઈ નો પિત્તો ગયો. તેમણે બાઈક ઉભી રાખી અને બળદ ગાડું ચલાવતા શંભુભાઈને પણ બૂમો પાડીને ઉભા રાખ્યા. અને તેમની સાથે બોલાચાલી કરવા લાગ્યા. તેમણે કહી દીધું કે મને સાઈડ કેમ નથી આપતો… આટલું કહીને બંને વ્યક્તિઓએ શંભુભાઈને માર મારવાનું પણ શરૂ કરી દીધું.
સાઈડ ન આપવા જેવી બાબતો પર શંભુભાઈ ને ધ્યાનથી મારી નાખવાની પણ ધમકી આપી દેવામાં આવી અને પછી બંને લોકો ત્યાંથી ભાગી ગયા. શંભુભાઈને ઇજાગ્રસ્ત હાલતમાં અન્ય લોકોએ હોસ્પિટલ ખસેડ્યા અને આ બાબતે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય. ત્યાર પછી પોલીસે બંને વ્યક્તિઓની ધરપકડ કરી.