ગુજરાતીમાં એક કહાવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન રહે. એટલે કે જે વ્યક્તિના મનમાં લાલચ હોય તેને છેતરનારા લોકો મળી જ જાય છે. આ કહેવત ગુજરાતના ધાનેરામાં તાજેતરમાં સાચી સાબિત થઈ છે. અહીં એક પરિવારે દુઃખ દૂર થાય તે માટે એક ભુવા સાથે એક કરોડની ડીલ કરી. એટલું જ નહીં પરિવારે આ ભુવાને 35 લાખ રૂપિયા આપી પણ દીધા. ત્યાર પછી તેમને સમજાયું કે તેમની સાથે મોટી છેતરપિંડી થઈ છે.
જ્યારે પરિવારને આ વાતનું ભાન થયું ત્યારે તેઓ પોલીસના શરણે ગયા. આ સમગ્ર છેતરપિંડીનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયો પાલનપુરના ધાનેરાનો છે. અહીં એક પરિવારને પાંચ ભુવાઓએ મળીને એવું કહ્યું કે તેમના ઘર અને પરિવાર ઉપર કોઈએ માતા મૂકી છે, તેથી ચેહર માતાની બાધા રાખવી પડશે અને જેનો કુલ ખર્ચ એક કરોડ રૂપિયા થશે.
આ છેતરપિંડી ની શરૂઆત નવરાત્રીના દિવસોથી થઈ હતી. પરિવારની સમસ્યાઓના કારણે દુઃખી થયેલા બંને ભાઈઓએ 35 લાખ રૂપિયા એકત્ર કર્યા અને ભુવા ને આપ્યા હતા. સાથે જ 1 લાખ 70 હજારની ચાંદીની પાટ આપી હતી. જ્યારે તેમણે રોકડા રૂપિયા આપ્યા તેનો એક વિડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ની સામે રૂપિયાના ઢગલા પડેલા છે અને તે વ્યક્તિને ફૂલનો હાર પહેરાવીને બેસાડવામાં આવ્યો છે. તે વ્યક્તિ ધૂળતો હોય તેવું દેખાય છે. જોકે 35 લાખ આપ્યા પછી પરિવારને સમજાયું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. તેમણે તુરંત જ ધાનેરા પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ભુવા પાસેથી રૂપિયા રિકવર કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.