અમદાવાદ ખાતે બીએપીએસ સંસ્થા દ્વારા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. 15 જાન્યુઆરી સુધી આ મહોત્સવ ચાલુ રહેશે. અહીં રોજ દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં હરિભક્તો આવે છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ના મેનેજમેન્ટના પણ ભરપૂર વખાણ થઈ રહ્યા છે.
આટલી ભવ્ય રીતે ઉજવણી કરવા બદલ બધું જ રહી ભક્તો અને સંતોને જાય છે. છેલ્લા છ મહિનાથી હરિભક્તો પોતાના કામ મૂકીને અહીંયા સેવા આપી રહ્યા છે. આવા જ એક મહિલા ભક્તો છે 36 વર્ષના હીનાબેન ઝાલા.
હીનાબેન સિંગાપુરમાં રહે છે અને હાલ છેલ્લા છ મહિનાથી અમદાવાદ ખાતે સેવા આપવા માટે આવી ગયા છે. તેમને એક દીકરી પણ છે પરંતુ તેને તે સિંગાપુરમાં એકલી મૂકીને અહીં આવ્યા છે. તેઓ સિક્યુરિટી વિભાગમાં નોકરી કરે છે અને દિવસના 12 કલાક સતત સેવા આપે છે.
તેમણે જણાવ્યું હતું કે તે ઘણા વર્ષોથી સિંગાપુરમાં રહે છે અને અહીં તે સિક્યુરિટી વિભાગમાં સવારે 8:00 થી રાત્રે 10 સુધી સેવા આપે છે. છ મહિના પહેલા તે ગોંડલ ગઈ હતી અને શતાબ્દી મહોત્સવમાં સેવા આપવા માટે નામ નોંધાવ્યું હતું. તેમનું કહેવું છે કે તેઓ અહીં પ્રમુખસ્વામી નું ઋણ ચૂકવવા આવ્યા છે.
હીનાબેન ના પતિ બિઝનેસમેન હતા અને 2016 માં તેનું નિધન થયું હતું. ત્યારથી તેમની દીકરી અને તેઓ સિંગાપુરમાં રહે છે. જોકે શતાબ્દી મહોત્સવ શરૂ થતા તેઓ ભારત આવી ગયા છે અને સેવા આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે હજુ 35 દિવસ સુધી તેઓ સેવા આપશે અને પછી પરત જશે.