11 મિત્રો ખુશી ખુશી ફરવા નીકળ્યા હતા અને ગામમાં પરત આવી સાત લાશો, એકસાથે સાત ચિતા સળગતા ગામમાં છવાયો માતમ

ફરવા જવાની વાત આવે એટલે મિત્રો એકબીજા સાથે નીકળી પડતા હોય છે. ત્યારે આવી જ રીતે પંજાબના મોહાલી જિલ્લાના બનુરનીના 11 મિત્રો ફરવા માટે હિમાચલ પ્રદેશ નીકળ્યા હતા. 11 મિત્રો બાઈક લઈને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા નીકળ્યા હતા. પરંતુ તેમને એ વાત ખબર ન હતી કે તેમનામાંથી સાત મિત્રો માટે આ આખરી સફર બની જશે.

બધા મિત્રો સાથે હિમાચલ પ્રદેશના ઉના ખાતે આવેલા ગોવિંદ સાગર તળાવ નજીક ગયા હતા અને અચાનક તેમનામાંથી સાત મિત્રો તણાઈ ગયા. મૃતકોમાં પવન કુમાર, લાભ સિંહ, લખવીર સિંહ, અરુણ, વિશાલ અને શિવનો સમાવેશ થાય છે. 11 મિત્રો ખુશીખુશી ફરવા નીકળ્યા હતા અને તેમાંથી 7ના મૃતદેહ ગામમાં આવ્યા ત્યારે ગામ આખું હીબકે ચઢ્યું હતું. મૃતકોના પરિજનો જ નહીં પરંતુ આખા ગામના લોકોની આંખમાં આ દ્રશ્ય જોઈને આંસુ આવી ગયા હતા.

સાત પરિવારે પોતાના સંતાનો ગુમાવ્યા. ગામમાં સ્મશાનમાં જ્યારે સાત ખાસ મિત્રોની લાશને એક સાથે અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે ગામમાં માતમ છવાઈ ગયું હતું. મૃતકોની માતા, બહેન તો આ દ્રશ્ય જોઈને બેભાન જ થઈ ગયા હતા.

આ દુર્ઘટના અંગે જાણવા મળતી માહિતી અનુસાર ગોવિંદ સાગર તળાવ પર આ અકસ્માત થયો હતો. બધા મિત્રો માતા નૈના દેવી મંદિર દર્શન કરી અને બાલકનાથ મંદિરે જઈ રહ્યા હતા. બપોરના સમયે તેઓ બાબા ગરીબ દાસ મંદિરે પહોંચ્યા અને તળાવ દેખાતા તેમાં સ્નાન કરવાનું નક્કી કર્યું.

મિત્રો નહાઈ રહ્યા હતા ત્યારે એક યુવક ડુબવા લાગ્યો. તેને બચાવવા અન્ય મિત્રો પ્રયત્ન કરવા લાગ્યા. એકને બચાવવા બીજો, બીજાને બચાવવા ત્રીજો એમ એક પછી એક સાત યુવક પાણીમાં તણાયા અને તેમનું ડુબી જવાથી મોત નીપજ્યું.

તળાવમાં ડુબી જવાથી જે યુવકોના મોત થયા તેમાં ધોરણ 10ના વિદ્યાર્થીથી લઈ ઘરનો એક એકનો કમાઉ દીકરો હોય તેવા યુવાનો જ હતા. એક જ ગામના જુવાનજોધ દીકરાનું મોત થતા ગામમાં ગમગીની છવાઈ હતી.

Leave a Comment