સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઈલ બનાવી યુવતીઓને ફસાવવાની ઘણી ઘટનાઓ વિશે આજ સુધી તમે સાંભળ્યું હશે પરંતુ આજે જે ઘટના વિશે તમને જણાવવા જઈ રહ્યા છે તેવો કિસ્સો આજ સુધી સાંભળ્યો નહીં હોય. જે યુવતીઓ સોશિયલ મીડિયા પર કોઈ પર ભરોસો કરી તેની સાથે મિત્રતા કરતી હોય છે તેમના માટે આ આંખ ઉઘાડનાર કિસ્સો છે.
ઘટના જામનગરની છે. જામનગર સાયબર ક્રાઈમની ટીમે એક 63 વર્ષના વૃદ્ધની ધરપકડ કરી ત્યારે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આ ડોસો પોતાની પૌત્રીની ઉંમરની યુવતીઓને ફેક આઈડી પરથી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી તેમની સાથે વાત કરી મિત્રતા કરતો. જ્યારે યુવતી પણ તેના જાળમાં ફસાઈ જાય ત્યારે તે તેનું પોત પ્રકાશતો.
વૃદ્ધ ઈન્ટનેટ પરથી સારી બોડી ધરાવતા યુવકના ફોટો લઈ ફેક આઈડી બનાવ્યું હતું. તે યુવતીઓને આવા ફોટો મોકલતો અને યુવતી પણ તેના પર વિશ્વાસ કરી તેના પ્રેમમાં પડે તો પછી તેની પાસે નિવર્સ્ત્ર અવસ્થાના અશ્લીલ ફોટો મંગાવતો. જ્યારે યુવતી સંબંધ તોડવાની વાત કરતી તો તે તેની પાસે રહેલા ફોટો વડે તેને બ્લેક મેઈલ કરતો અને પછી તેનો લાભ ઉઠાવતો.
63 વર્ષીય રસિકલાલ વડાલીયાના ગોરખધંધાની ખબર પડતાં પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. તેની પુછપરછમાં જાણવા મળ્યું કે તે ભણેલો નથી પરંતુ તેણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખી અને યુવતીઓ સાથે મિત્રતા કરવાનું શરુ કર્યું હતું. પોલીસે આ આરોપીને ઝડપી પાડવા માટે ટેકનીકલ ટીમ સાથે ખાસ છટકું ગોઠવ્યું હતું જેમાં વૃદ્ધ ફસાઈ જતાં તેનો ભાંડો ફુટ્યો હતો.
પોલીસે જ્યારે તેના ફોનની તપાસ કરી તો તેમાંથી યુવતીઓના અશ્લીલ ફોટા મળી આવ્યા હતા જે તેણે સેવ કરી લીધા હતા અને તેના વડે તે યુવતીઓને બ્લેક મેઈલ કરતો હતો.