તમે ઘણી વખત એવી ઘટનાઓ વિશે જાણ્યું હશે કે જેમાં ખુલ્લા બોરમાં બાળકો પડી ગયા હોય. જો સમયસર આવા બાળકોને મદદ મળે તો તેનો જીવ બચી જાય છે.. જોકે ઘણી વખત બાળકને પોતાનો જીવ ગુમાવવો પડે છે.
કોઈપણ બાળકને બોરમાં પડ્યા પછી જીવ ગુમાવવો ન પડે તે માટે મૂળ અમરેલી જિલ્લાના રાજુલાના વતની મહેશભાઈ આહીરે એક રોબોટ બનાવ્યો છે. આ રોબોટની મદદથી બોર્ડમાં પડેલા બાળકને તુરંત જ બહાર કાઢી શકાય છે અને તેનો જીવ બચી જાય છે. તેને બનાવેલા રોબોટનો ઉપયોગ છત્તીસગઢમાં કરવામાં આવ્યો હતો અને ત્યાં પણ બાળકને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું.
મહેશભાઈ આહીર ને તેમના આ સંશોધન બદલ એવોર્ડ અને વખાણ મળી રહ્યા છે. જોકે આ રોબોટ બનાવવા માટે મહેશભાઈને પોતાની માતાના દાગીના વેચવા પડ્યા હતા. આ રોબોટ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો તે વિશે જણાવતા મહેશભાઈ કહે છે કે, અમિતાભ બચ્ચને એક વખત એવું કહ્યું હતું કે આજના સમયમાં લોકો આકાશમાં પહોંચી શકે છે પણ જમીનમાં નહીં..
આ વાત તેમના મગજમાં ઘૂસી ગઈ અને પછી તેમણે રોબોટ બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા. આ કામમાં રૂપિયાની જરૂર પડતા તેમણે મકાન અને દાગીના પણ વેચી દીધા પરંતુ અંતે તેમનો રોબોટ બની ગયો અને તેના પ્રયોગો પણ સફળ રહ્યા.