સોશિયલ મીડિયા પર એક દંપતી ખૂબ જ ચર્ચામાં છે. આ ચર્ચાનું કારણ છે કે તેમના ઘરે લગ્નના 54 વર્ષ પછી સંતાનનો જન્મ થયો છે. જાણીને નવાઈ લાગશે પરંતુ 70 વર્ષની મહિલાએ પોતાના પહેલા સંતાનને જન્મ આપ્યો છે. લગ્નને 54 વર્ષ થયા છતાં પણ આ પતિ પત્ની સંતાન સુખથી વંચિત હતા. તેવામાં આધુનિક સારવાર પદ્ધતિના કારણે 70 વર્ષની માતા અને 75 વર્ષના પિતાએ પોતાના સ્વસ્થ દીકરાનું સ્વાગત કર્યું છે.
આ ચમત્કાર સમાન કિસ્સો રાજસ્થાનના અલવરનો છે. ડોક્ટરોનો પણ દાવો છે કે રાજસ્થાનનો આ પહેલો કેસ હશે જેમાં 70 વર્ષની મહિલાએ સંતાનને જન્મ આપ્યો હોય. આ સંતાન નો જન્મ આઈવીએફ ટેકનોલોજી દ્વારા થયો છે. આઈવીએફના કારણે દેશ દુનિયામાં અત્યાર સુધીમાં ઘણા વૃદ્ધ દંપતિ માતા-પિતા બન્યા છે. જેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે.
પહેલા સંતાનના જન્મ પછી પોતાની ખુશી વ્યક્ત કરતા ગોપીચંદ નું કહેવું છે કે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી સંતાન સુખની ઈચ્છા રાખતા હતા. પરંતુ આ શક્ય બન્યું નહીં. ત્યારબાદ તેમને આઈપીએફ વિશે ખબર પડી અને તેઓ ડોક્ટર પંકજ પાસે પહોંચ્યા. આઈવીએફ ની પહેલી સારવાર બાદ 70 વર્ષની તેમની પત્નીએ ત્રણ કિલોના સ્વસ્થ દીકરાને જન્મ આપ્યો છે.
રાજસ્થાનનું આ પહેલું કેસ છે જેમાં 75 વર્ષના પુરુષ અને 70 વર્ષની મહિલા ના ઘરે સંતાન નો જન્મ થયો છે. જે પદ્ધતિથી લગ્નના 54 વર્ષ પછી આ દંપત્તિના ઘરે પહેલા સંતાનનો જન્મ થયો છે તેમાં મહિલાના એગ્સ અને પુરુષના શુક્રાણુઓને લઈને લેબમાં ભ્રુણ તૈયાર કરવામાં આવે છે. ભ્રુણ તૈયાર થઈ જાય પછી તેને મહિલાના ગર્ભમાં મૂકવામાં આવે છે.
આ પ્રક્રિયા ખૂબ જ જટિલ અને ખર્ચાળ છે પરંતુ જે લોકો સંતાન સુખથી વંચિત છે તેમના માટે આ પ્રક્રિયા વરદાન છે. આઈવીએફની એક સાઇકલ ત્રણ સપ્તાહ સુધીની હોય છે. આ ટેકનોલોજી ની શરૂઆત 25 જુલાઈ 1978 માં ઇંગ્લેન્ડમાં થઈ હતી. તે સમયે પહેલી વખત ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા એક બાળકીનો જન્મ થયો હતો. જોકે હવે આ પદ્ધતિ દ્વારા માતા પિતા બનવા માટે 50 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે. 50 વર્ષથી વધુની મહિલા આ ટેકનોલોજીથી માતા બની શકે નહીં તેવો કાયદો બનાવવામાં આવ્યો છે. જોકે આ કેસ ત્યારનું છે જ્યારે આ કાયદો અમલમાં ન હતો.