નવરાત્રી ના તહેવાર દરમિયાન માતાજીના દરેક મંદિરે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે. આ પર્વ દરમિયાન ભક્તો ઘરમાં તો માતાજીની પૂજા અર્ચના કરતા જ હોય છે પરંતુ તેની સાથે જ મંદિરોમાં પણ વિશેષ પૂજા થતી હોય છે. આજે તમને સુરતમાં આવેલા એક અનોખા મંદિર વિશે જણાવીએ. આ મંદિરમાં ખોખલી માતાજી બિરાજે છે.
આ મંદિર વિશે માન્યતા છે કે ગમે તેવી ઉધરસ થઈ હોય તેની સમસ્યા આ મંદિરમાં ગાંઠિયા ચડાવવાથી દૂર થઈ જાય છે. આ મંદિરમાં સ્વયંભૂ પ્રગટેલા ખોખલી માતાજીને ગાંઠીયા ચડાવવાની લોકો માનતા રાખે છે. માનતા જ રાખ્યાની સાથે જ ઉધરસ મટી જતી હોય છે. હાલ નવરાત્રી નો પર્વ ચાલી રહ્યો છે ત્યારે અહીં લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા અને ગાંઠિયા ધરાવવા આવે છે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં સાગર સોસાયટીમાં આ મંદિર આવેલું છે. અહીં ત્રિશૂળમાં માતાજી બિરાજમાન થયા છે અને વર્ષોથી આ સ્વરૂપમાં તેમની પૂજા થાય છે.નાના બાળકોથી લઈને મોટા સુધી જ્યારે કોઈને ઉધરસ થાય છે ત્યારે આ મંદિરની માનતા રાખવામાં આવે છે.
આ મંદિર ખાતે રવિવારે અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. અહીંયા પ્રસાદીમાં જે ગાંઠીયા અર્પણ કરવામાં આવે છે તે મંદિરની બહાર લઈ જવાની મનાઈ છે એટલે જ મંદિરમાં ધરાવેલા ગાંઠિયા અહીં આવેલા ભક્તોને જ પ્રસાદી તરીકે આપી દેવાના હોય છે.