દેશમાં ઘણા પ્રસિદ્ધ દેવી-દેવતાના મંદિરો આવેલા છે જ્યાં માતાજીના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. તેમાંથી કેટલાક મંદિરોનો ઈતિહાસ અનોખો હોય છે. આવું જ અનોખું મંદિર આવેલું છે રાજસ્થાનના નાગૌરમાં. અહીં ભુવાલ કાલી માતાનું પ્રખ્યાત મંદિર આવેલું છે.
સામાન્ય રીતે મંદિરમાં માતાજીને લાડુ, પેંડા, ખીર જેવી વસ્તુઓનો પ્રસાદ ચઢે છે. પરંતુ આ મંદિરમાં માતાજીને જે પ્રસાદ ચઢાવવામાં આવે છે તેના વિશે જાણીને તમને પણ આશ્ચર્ય થશે. આ મંદિરમાં ભક્તો માતાજીને દારુનો પ્રસાદ ચઢાવે છે. આ મંદિરમાં માતાજીને અઢી કપ દારુ ધરાવવામાં આવે છે.
આ મંદિરમાં ભક્તો દારુ ચઢાવવાની મનોકામના પણ રાખે છે. મનોકામના પૂર્ણ થતા ભક્તો માતાને દારુ ચઢાવે છે. આ મંદિરમાં એક શિલાલેખ પણ છે જે અનુસાર મંદિરનું નિર્માણ 1380માં થયું હતું. આ મંદિરમાં સુંદર કારીગરી કરવામાં આવી છે.
મંદિરમાં એક ગુપ્ત ખંડ પણ છે. આ મંદિર કોતરેલા પથ્થરને એક સાથે જોડી અને બનાવવામાં આવ્યું છે. માન્યતા છે કે વર્ષો પહેલા માતા ભાનવાલ એક ઝાડ નીચે પ્રગટ થયા હતા. ત્યારબાદ તેમની સ્થાપના મંદિર બનાવી ત્યાં કરવામાં આવી.
આ મંદિરમાં દરેક વ્યક્તિ દારુ ચઢાવી શકતી નથી. માતાને પ્રસાદ ચઢાવવો હોય તો વ્યક્તિ દારુ, સિગરેટ, તમાકુ જેવા વ્યસનનો ત્યાગ કરવો પડે છે. જે વ્યક્તિ આ વસ્તુઓનો ત્યાગ કરી માતાને પ્રસાદ ચઢાવે છે તેને દારુ પીવાની પણ છુટ હોતી નથી.
મંદિરમાં માતાને ચાંદીની પ્યાલીમાં વાઈન ધરવામાં આવે છે. આ પ્રસાદી ફક્ત પૂજારી ધરે છે અને તે સમયે આંખો બંધ રાખવામાં આવે છે. થોડીવારમાં કપમાં રાખેલો વાઈન પુરો થઈ જાય છે.
આ મંદિર 800 વર્ષ જુનું છે અને તેની સ્થાપના ડાકુઓએ કરી હતી. એક સમયે ડાકુઓએ રાજાના સૈનિકોને ઘેરી લીધા તે સમયે સૈનિકોએ માતાને યાદ કર્યા અને માતાએ ડાકુને ઘેટાં બકરા બનાવી દીધા. ત્યારબાદ અન્ય ડાકુઓએ માતાની ક્ષમા માંગી અને અહીં મંદિર બનાવ્યું.