રાજ્યમાં હાલ ચારે તરફ લગ્નની સીઝન ચાલી રહી છે. લગ્નસરા આવે એટલે અવનવા લગ્ન જોવા મળે છે. લોકો પોતાના લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે ખાસ ખર્ચા કરતા હોય છે. ખાસ કરીને યુવક અને યુવતીઓ પોતાના લગ્ન યાદગાર રહે અને ચર્ચાનો વિષય બને તે માટે અવનવા પ્રયોગ પણ કરતા હોય છે. આજે તમને એક આવા જ કપલ વિશે જણાવીએ જેના લગ્ન પણ ખાસ હોવાના કારણે ચર્ચામાં છે.
આ કપલે પોતાની જૂની પરંપરા અને સંસ્કૃતિને તાજી કરીને લગ્ન કર્યા છે. આધુનિક સમયમાં લોકો જૂની પરંપરા ને ભૂલીને નવી પરંપરા સાથે લગ્ન કરે છે તેવામાં આ કપલ પરંપરાઓને તાજી કરીને લગ્ન કરતું જોવા મળે છે. આ લગ્ન થયા છે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા માં. અહીં રહેતા હર્ષદભાઈ અને તેમના પિતા બળદેવભાઈએ નક્કી કર્યું કે તેમના લગ્ન જૂની પરંપરા અનુસાર થશે.
તેથી હર્ષદભાઈ તેમના લગ્નમાં બળદગાડા જોડીને પરંપરાગત રીતે જાન લઈને લગ્ન કરવા પહોંચ્યા હતા. ધાંગધ્રા માં યોજાયેલો આ લગ્ન પ્રસંગ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર થતાં જ વાયરલ થવા લાગી છે. આ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે અને બળદગાડામાં નીકળેલી જાનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.