લગ્ન માટે દરેક યુવક યુવતી સપના જોવે છે. તેઓ પોતાના લગ્ન યાદગાર બને અને ખાસ રહે તે માટે અલગ અલગ પ્રયોગો પણ કરતા હોય છે. કેટલાક લોકો કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખે છે. લગ્ન માટેની કંકોત્રીથી લઈને લગ્નની વ્યવસ્થામાં લાખો રૂપિયાનું ખર્ચ કરવામાં આવે છે. પરંતુ હાલ એક લગ્નની કંકોત્રી ખૂબ જ ચર્ચામાં છે જેના કારણે સુરતના યુવકના લગ્ન યાદગાર બની ગયા છે.
સામાન્ય રીતે લગ્નની કંકોત્રીમાં ભગવાન અને કુળદેવતાના ફોટા તેમજ નામ હોય છે. પરંતુ સુરતના આ યુવક યુવતીએ પોતાના લગ્નની કંકોત્રી એવી અલગ રીતે બનાવી છે કે તેના વખાણ થવા લાગ્યા છે. આ બંનેએ રાષ્ટ્રપ્રેમને કંકોત્રીમાં વ્યક્ત કર્યો છે. ભગવાનના ફોટા મૂકવાના બદલે બંને લગ્નની કંકોત્રીમાં ભગતસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ના ફોટા મૂક્યા છે. આઝાદીના 75 વર્ષો પૂર્ણ થયા તેવામાં યુવક યુવતીએ લગ્નમાં આઝાદીના લડવૈયાઓના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે
આજના સમયમાં યુવક યુવતીઓ લગ્નને યાદગાર બનાવવા માટે કંકોત્રીમાં પણ અવનવી ડિઝાઇન કરાવતા હોય છે. પરંતુ સુરતના આ યુવક યુવતીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપીને આઝાદીકા અમૃત મહોત્સવની અનોખી ઉજવણી કરી છે. દેશભક્તિને વ્યક્ત કરતી આ કંકોત્રી ના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને લોકો તેમની રાષ્ટ્રભક્તિને વખાણી રહ્યા છે.
આ યુવકનું નામ કરણ ચાવડા છે. તેને જણાવ્યું હતું કે લોકો સામાન્ય રીતે કંકોત્રીમાં કુળદેવીના અને દેવી-દેવતા ના ફોટા મૂકે છે પરંતુ જે લડવૈયાઓને લીધે આઝાદી મળી છે તેના ફોટા રાખવા તે પણ ભગવાન જેટલા જ પવિત્ર છે.