નવરાત્રીની શરુઆત થઈ ચુકી છે અને ઠેરઠેર માતાજીની આરાધના સાથે લોકો ગરબે ઘુમી નવરાત્રીનો આનંદ માણી રહ્યા છે. આ વર્ષે કોરોનાના કપરા સમય પછી આયોજકોએ નવરાત્રીના આયોજન પણ મોટાપાયે કર્યા છે. જો કે ગરબાની ધૂમ માત્ર ગુજરાતમાં જ નહીં અમેરિકામાં છે.
નવરાત્રી પહેલા અમેરિકામાં જોરદાર ગરબાનું આયોજન થયું હતું જેની તસવીરો વાયરલ થઈ રહી છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પ્રખ્યાત ગાયક કલાકાર અતુલ પુરોહિતને બોલાવવામાં આવ્યા હતા.
અમેરિકાના ન્યૂજર્સીમાં ગુજરાતીઓ તેમના તાલે ઝુમતા જોવા મળ્યા હતા. ગાયક અતુલ પુરોહિતે અમેરિકામાં અલગ અલગ જગ્યાઓએ ગરબાનું આયોજન કર્યું હતું. જેમાં શુક્રવારે ન્યૂજર્સીમાં ગરબા યોજાયા હતા. અતુલ પુરોહિતનું નામ આવતાં જ હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો.
મોડી રાત સુધી ખેલૈયાઓ મન મુકીને અતુલ પુરોહિતના તાલે ઝુમ્યા હતા. અમેરિકાની ધરતી પણ ઝુમી ઊઠી હતી ગરબાના તાલથી. બે વર્ષથી કોરોનાના કારણે આ પ્રકારનું આયોજન થયું ન હતું તેવામાં આ આ વર્ષે ગરબા યોજાતા લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નવરાત્રી પહેલાથી આ વર્ષે ફરી એકવાર પ્રી નવરાત્રીનું આયોજન થવા લાગ્યું હતું.