આ ગામમાં છેલ્લા 19 વર્ષથી એક જ માંડવે થાય છે ગામની બધી દીકરીઓના લગ્ન, જાણો શું છે કારણ

કોડીનાર તાલુકામાં દુધાળા નામનું ગામ આવેલું છે જ્યાં છેલા 19 વર્ષથી એક પરંપરાનું પાલન કરવામાં આવે છે. આ ગામમાં દર વર્ષે ગામની બધી જ દીકરીઓના લગ્ન એક જ માંડવે થાય છે. જ્ઞાતિ કોઈપણ હોય પરંતુ દરેક દીકરીના લગ્ન એક જ માંડવે થાય છે. આ લગ્ન ઉત્સવને ગામ લોકોએ મંગલ વિવાહ નામ આપ્યું છે. ગામની આ પ્રથા હવે આ ગામની ખાસિયત બની ગઈ છે.

છેલ્લા ૧૯ વર્ષથી આ રીતે અનોખા લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ મંગલ વિવાહમાં ગામમાં વસતા તમામ જ્ઞાતિના લોકોની દીકરીઓના લગ્ન કોઈપણ જાતના ભેદભાવ વિના એક જ માંડવે થાય છે.

છેલ્લા 19 વર્ષ દરમિયાન 167 થી વધુ દીકરીઓના લગ્ન મંગલ વિવાહના આયોજનમાં થયા છે. ગામ લોકોનું કહેવું છે કે લોકો સાથે મળીને દીકરીના લગ્નની ઉજવણી કરે છે જેના કારણે ગામોમાં અનોખો વાતાવરણ ઊભું થાય છે

સાથે જ આ પ્રસંગ માટે આખું ગામ પૈસા નું દાન કરે છે જેના કારણે દીકરીના પિતાને ચિંતા કરવી પડતી નથી. એટલું જ નહીં જે પરિવારમાં દીકરીના લગ્ન હોય તેના પરિવારના બધા જ લોકો શાંતિથી પ્રસંગ માણે છે અને ગામના અન્ય લોકો પ્રસંગની તૈયારી કરે છે.

ગામના દરેક લોકો કોઈ એક પરિવારનો પ્રસંગ નહીં પરંતુ ગામનો પ્રસંગ હોય તેમ દીકરીના લગ્ન કરે છે અને ધામધૂમમાં ઉજવણી કરે છે. ગામ લોકોનું કહેવું છે કે પૂજ્ય પાંડુરંગ દાદાએ સલાહ આપી હતી અને તે સલાહને ગામ લોકોએ માની લીધી છે અને હવે દર વર્ષે મંગલ વિવાહનું આયોજન ધામધૂમથી કરવામાં આવે છે.

Leave a Comment