જો તમે કોઈ મંદિરમાં શાંત વાતાવરણમાં પૂજાપાઠ કે દર્શનનો આનંદ લઈ રહ્યા હોય અને અચાનક લોકોની વચ્ચે એક જંગલમાંથી આવેલું રીંછ દેખાય તો ? ભારે ચિંતા અને અફરાતફરીના દ્રશ્યો સર્જાઈ શકે છે.
પરંતુ જો તમે છત્તીસગઢના મહાસમંદ જિલ્લાના ઘુંચાંપલી માં આવેલા માતા ચંડીના મંદિરમાં દર્શન કરવા જશો તો આ દ્રશ્ય તમને એકદમ સામાન્ય લાગશે. કારણ કે અહીં નિયમિત રીતે રીંછ મંદિરમાં આરતી થાય ત્યારે હાજરી આપવા પહોંચી જાય છે. જોકે આ રીંછ ભક્તો ઉપર ક્યારેય હુમલો કરતો નથી પરંતુ તેમના હાથે પ્રસાદી ખાતો જોવા મળે છે.
અહીં મંદિર તરફથી પણ લોકોની સુરક્ષા નું સંપૂર્ણ રીતે ધ્યાન રાખવામાં આવે છે. તંત્રોક્ત શક્તિપીઠમાં ચંડી માતાનું મંદિર પણ આવેલું છે. અહીં દૂર દૂરથી લોકો માતાજીના દર્શન કરવા આવતા હોય છે.
આ મંદિરમાં વર્ષોથી આરતી સમયે જંગલમાંથી રીંછ પણ આવે છે. સામાન્ય રીતે રીંછ સૂર્યાસ્ત સમયની આરતી સમયે મંદિર પહોંચી જાય છે. મંદિરે આરતી થયા પછી રીંછ થોડી વાર અહીં ફરે છે અને ભક્તો જે પણ પ્રસાદ કરાવે તે આરોગ્ય છે પછી શાંતિથી જંગલમાં પહોંચી જાય છે. આજ સુધી કોઈ અનિચ્છનીય બનાવ પણ બન્યો નથી. ખાસ કરીને દુર્ગાપૂજાના અવસર ઉપર રીંછ નું આખું ટોળું અહીં આવે છે.
ભક્તોનું કહેવું છે કે છેલ્લા દોઢસો વર્ષથી આ પ્રથા ચાલી આવે છે અને વર્ષોથી અહીં આરતી સમયે રીંછ જોવા મળે છે.. દૂર દૂરથી ભક્તો આ નજારો જોવા પણ આવે છે કારણ કે હવે રીંછનું આવવું અને પૂજામાં ભાગ લેવું એ અહીંની પરંપરા બની ગઈ છે.