ગુજરાતમાં એક શોકિંગ બનાવ સામે આવ્યો છે.સામે આવેલી સનસનીખેજ કચ્છી ગાયકની વીડિયો ક્લીપમાં નવો વળાંક આવ્યો છે. સમગ્ર કચ્છ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બનેલી ઘટના અંગે પીડિત કલાકાર દ્વારા લેભાગુ તત્વો સામે પૈસા પડાવી લેવા અને બ્લેકમેલ કરવાની ફરિયાદ ભુજ બી ડિવિઝન મથકે નોંધવામાં આવી છે. જેમાં ભુજની એક મહિલા સહિત બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે
.ઘરે બોલાવીને ગાળીયો કર્યો:
કલાકારને ગયા મહિનાની તા. 20ના રોજ ભુજના અંજલિ નગર -2માં રહેતી નઝમાં જુશબ લંઘાએ કામના બહાને પોતાના ઘરે બોલાવી નશા વાળી ચા પીવડાવી હતી. ત્યારબાદ ફરિયાદી ભાનમાં આવતા નવી દુધઈ પાસેના નવગામનો આરોપી ઓસમાણ ગની મિયાણા અને તેની સાથેનો અન્ય એક અજાણ્યો ઇસમ તેની સામે આવી ગયા હતા અને પોલીસમાંથી આવીએ છીએ તેમ જણાવી રૂ. 12 હજાર પડાવી લીધા હતા અને પીલીસનો ભય બતાવી વધુ નાણાંની માગ કરી હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. જોકે, ત્યારબાદ વીડિયો વાયરલ પણ કર્યો હતો.
25 લાખની માંગણી કરી:
આ વિશે ફરિયાદી સાથે સંપર્ક કરતા તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, 4 દાયકા જેટલા સમયમાં અનેક કાર્યક્રમો કર્યા છે. ક્યારેય કોઈ સાથે વેર બંધાયું નથી. આ કેસની આરોપી નઝમાંનો પતિ 15થી 20 વર્ષ સુધી મારી સાથે ઢોલક વગાડતો હતો. આંગળી કામ કરતી બંધ થતાં કામ મૂકી દીધું તેથી તેમના પરિવાર સાથે જૂનો નાતો હોવાથી મને બોલાવતા ઘરે ગયો હતો.
બાદમાં આ પ્રકારે ફસાવી પોલીસની બીક બતાવી રૂ. 25 લાખની માંગણી કરી હતી. મેં કહ્યું હતું કે, મારી પાસે 25 પૈસા પણ નથી તેમ છતાં વારંવારની માંગણી ચાલુ રાખી હતી. જે ના સ્વીકારતા ખોટી રીતે રેકોર્ડ કરેલો વીડિયો વાઇરલ કરી દીધો હતો. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ બહુ મોટી ગેંગ છે જે આ રીતે લોકોને લલચાવીને હેરાન કરે છે. તેથી મેં મારી આબરૂની ફીકર કર્યા વગર અન્ય લોકોના બચાવ માટે આગળ આવી ફરિયાદ લખાવી છે.