વર્તમાન સમયમાં યુવાધનને ગામડા કરતાં શહેરનું મોહ વધારે જોવા મળે છે. ભણી ગણીને યુવાનોને શહેરમાં સ્થાયી થવું હોય છે. મોટાભાગના લોકો એવી વિચારસરણી ધરાવે છે કે ગામડામાં ભવિષ્ય નથી. પરંતુ તેવામાં એક પરિવાર એવો પણ છે જે શહેરને બદલે ગામડામાં રહેવાનું પસંદ કરે છે. આ પરિવારના લોકો કરોડપતિ છે છતાં પણ ગામડામાં સાદું જીવન જીવી રહ્યા છે.
પરસોત્તમભાઈ સિદ્ધપરા અને તેનો પરિવાર જુનાગઢ જિલ્લાના જામકા ગામમાં રહે છે. તેઓ ખેતી પશુપાલન કરીને કરોડો રૂપિયાની કમાણી કરે છે. તેમને સંતાનમાં બે પુત્ર છે અને બંનેએ ઉચ્ચ અભ્યાસ કર્યો છે છતાં પણ શહેરમાં રહીને નોકરી કરવાને બદલે પરિવારની સાથે રહીને ખેતી અને પશુપાલન કરે છે.
આ પરિવાર પાસે સૌથી વધારે ગીર ગાયો છે. 12 એકરની જમીન તેમની છે અને બીજી બાર એકરની જમીન તેમણે ભારે પેટે રાખી છે. આ જમીનમાં તેઓ માઇક્રો પ્લાનિંગ કરીને ખેતી કરીને કરોડોની કમાણી કરે છે. પશુપાલનથી તેઓ 270 લિટરથી વધારે દૂધ મેળવે છે. દૂધ ઉપરાંત તેઓ માખણ ઘી પેંડા માવો સહિતની વસ્તુઓ બનાવે છે અને આ વસ્તુઓની માંગ વિદેશમાં પણ સારી એવી છે.
ખાસ વાત એ છે કે તેમના પરિવારની પુત્ર વધુઓ પણ ભણેલી ગણેલી છે છતાં પણ ગામડામાં પોતાના પરિવાર સાથે આ વ્યવસાયમાં મદદ કરે છે. વંદના અને શ્રદ્ધા ગામડામાં રહીને ખેતી તેમજ પશુપાલન કરીને પતિને મદદ કરે છે.
આ પરિવાર જે રીતે કામ કરી રહ્યો છે તે સમાજ માટે સંદેશ રૂપ છે. તેમની સફળતા ને જોઈને વિદેશી લોકો પણ અહીં તેમની મુલાકાતે આવે છે. પુત્રવધુઓ અને ઘરના બધા જ લોકો જે રીતે સાદગી ભર્યું જીવન જીવે છે તેનાથી વિદેશીઓ પણ પ્રભાવિત થાય છે.
પરસોત્તમભાઈ પોતે 12 ધોરણ સુધી જ ભણેલા છે પરંતુ ઓર્ગેનિક રીતે ખેતી કરવાની રીત અને પશુપાલનની માહિતી આપવા અને લેક્ચર આપવા માટે મોટી મોટી સંસ્થાઓ તેમને આમંત્રણ આપે છે.