નવરાત્રિના તહેવારની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. નવરાત્રીના પર્વ દરમિયાન રાજ્યોમાં આવેલા માતા અંબાના મંદિરો ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ખાસ કરીને અંબાજી મંદિર ખાતે માં અંબાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવતા જોવા મળે છે. નવરાત્રી ના પવિત્ર તહેવાર ઉપર શક્તિપીઠ અંબાજીનું નજારો જોવા જેવો હોય છે. આ ભક્તિમય વાતાવરણ વચ્ચે ઘણા ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થતા સોના ચાંદીનું મંદિરમાં દાન કરતા હોય છે.
આવી જ રીતે સાણંદના એક પરિવારે અંબાજી મંદિરમાં 251 ગ્રામ સોનાનું દાન કર્યું છે. સાણંદના વાઘેલા પરિવાર દ્વારા 13 લાખથી વધુ ની કિંમતના સોનાનું દાન મંદિરમાં કરવામાં આવ્યું છે. આ પરિવાર એ માનતા રાખી હતી કે તેમના પરિવારમાં દીકરીનો જન્મ થાય.
તેવામાં નવરાત્રીના તહેવાર ઉપર જ પરિવારમાં દીકરીનો જન્મ થતા પરિવારે તેની માનતા પૂરી કરી. દીકરાનો જન્મ થાય તે માટે તો ઘણા લોકો માનતા રાખે છે પરંતુ દીકરીનો જન્મ થાય તે માટે તેમણે મંદિરમાં 13 લાખ થી વધુની કિંમતના સોનાનું દાન કર્યું.
નવરાત્રી ના તહેવાર દરમિયાન જ પરિવાર અંબાજીના દર્શને આવ્યો અને સોનાનું એક બિસ્કીટ અને એક સોનાની લગડી દાનમાં આપે સાથે જ મા અંબાની પૂજા અર્ચના પણ કરી. મહત્વનું છે કે અંબાજી મંદિર ખાતે અત્યાર સુધીમાં અનેક ભક્તો સોનાનું દાન કરી ચૂક્યા છે. જેમાં મંદિરનો કેટલોક ભાગ સોનાથી મઢાઈ ચૂક્યો છે.
મંદિર ખાતે નવરાત્રી ઉપરાંત ભાદરવી પૂનમ ખાતે પણ ભક્તોની ભીડ ઉમટે છે આ પર્વ ઉપર અહીં મેળો ભરાય છે અને તે સમયે લોકો પગપાળા દર્શન કરવા આવતા હોય છે.