જ્યારે પણ વાત ખેડૂતની આવે તો મનમાં ચિત્ર ઉપસી આવે ખેતરમાં બળદ સાથે ખેતી કરતા વ્યક્તિનું. પરંતુ આજે તમને એક એવા ખેડૂત વિશે જણાવીએ જેનો શોખ ખેતીથી અલગ છે. તેઓ ખેતી કામ તો કરે જ છે પરંતુ સાથે જ તે પોતાના શોખને પૂરો કરે છે. ખેતી કરતા આ દાદા નુ શોખ છે પુસ્તક વાંચવાનો.
75 વર્ષના આ દાદા માત્ર ત્રણ ધોરણ ભણેલા છે પરંતુ અત્યાર સુધીમાં તેમણે 7000 થી વધારે પુસ્તકો વાંચ્યા છે. આ દાદા નું નામ ઉકાભાઇ વઘાસીયા છે. ઉકાભાઇનું શ્રેષ્ઠ ભાવક તરીકે સન્માન પણ કરવામાં આવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના આંબાવાડ ગામમાં તેઓ રહે છે. પુસ્તકો પ્રત્યેના પ્રેમના કારણે હવે તે ગુજરાત ભરમાં જાણીતા થઈ ગયા છે. પુસ્તકો પ્રત્યે એમને એટલો પ્રેમ છે કે તેનું ઘર હવે પુસ્તકાલય બની ગયું છે. તેમના ઘરમાં જ્યાં નજર કરો ત્યાં પુસ્તક જ પુસ્તક જોવા મળે.
અત્યાર સુધીમાં તેમણે જુદાજુદા વિષયના 7 હજારથી વધારે પુસ્તકો વાંચ્યા છે. તેમનો જન્મ 1947 માં થયો હતો અને ગામની શાળામાં તેઓ ત્રણ ધોરણ સુધી ભણી શક્યા. ત્યાર પછી તેઓ ખેતીમાં જોડાઈ ગયા અને ભણવાનો સમય મળ્યો નહીં. પરંતુ વાંચન પ્રત્યેનો તેનો પ્રેમ અકબંધ રહ્યો. ખેતી કરીને આવે પછી પણ તે પુસ્તક વાંચવા નું ભૂલતા નહીં.
હવે તેઓ આખો દિવસ પુસ્તકો વચ્ચે પસાર કરે છે જ્યારે તેઓ ખેતીકામ કરતાં ત્યારે પણ પુસ્તકો વાંચતા. છેલ્લા ચાર વર્ષથી તેમણે ખેતી કામ છોડી દીધું છે અને તેઓ પુસ્તકો વાંચવામાં સમય પસાર કરે છે. જ્યારે તેઓ બહાર જાય છે ત્યારે પોતાની સાથે ત્રણ થી ચાર પુસ્તકો રાખે છે. જ્યારે પણ સમય મળે ત્યારે તે પુસ્તક વાંચવાનું શરૂ કરી દે છે.