મોરબી ખાતે જુલતો પુલ તૂટી પડતાં આ દુર્ઘટનામાં 134 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા. મોરબીના ઇતિહાસમાં આ બીજી એવી દુર્ઘટના છે જેમાં એક સાથે અનેક પરિવારો નેસ્તો નાબૂદ થઈ ગયા. આ દુર્ઘટના દરમિયાન મોરારીબાપુની રામકથા રાજસ્થાનના નાથદ્વારામાં ચાલી રહી છે ત્યાંથી તેમણે મૃતકો માટે સંવેદના વ્યક્ત કરી હતી.
દુર્ઘટના બની ત્યારથી રાહત અને બચાવ કામગીરી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. એક પછી એક મચ્છુ નદીમાંથી મૃતદેહ નીકળવા લાગ્યા અને મૃત્યુ આંક વધવા લાગ્યો. આ મામલે બ્રિજ મેનેજમેન્ટ કંપની વિરુદ્ધ કડક કલમો સાથે ગુનો નોંધાયો છે. સાથે જ એક સમિતિની રચના કરવામાં આવી છે જે આ મામલે તપાસ કરશે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું છે કે આ મામલે દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવશે.
ત્યારે બીજી તરફ મોરબી દુર્ઘટનામાં છે લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારના લોકોને મોરારીબાપુએ સહાયની જાહેરાત કરી છે. મોરારીબાપુ તરફથી દરેક પરિવારને 5000 રૂપિયા અને કાળી કામળી અર્પણ કરવામાં આવશે.
મહત્વનું છે કે આ ઘટનામાં જે લોકોના પરિવારના સભ્યોનું મોત થયું છે તેમને છ છ લાખનું વળતર સરકાર તરફથી પણ આપવામાં આવ્યું છે.
મહત્વનું છે કે મોરબી નો આ ઝુલતો પુલ 143 વર્ષ જૂનો છે અને છેલ્લા છ મહિનાથી આ બ્રિજ સમારકામના કારણે બંધ હતો. સમારકામ થયા પછી ગત 25 ઓક્ટોબરના રોજ લોકો માટે તેને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સમારકામ પછી ગણતરીના જ દિવસોમાં રવિવારના દિવસે મોરબીનો પુલ તૂટી પડ્યો અને આ દુર્ઘટનામાં 134 જેટલા લોકોના મોત થઈ ગયા.