દરેક પિતાની ઈચ્છા હોય કે તેનો લાડકો દીકરા ભણી ગણી અને આગળ વધે અને તેના દરેક સપના પણ પુરા થાય. તેવી જ રીતે કેટલાક દીકરાઓ પણ એવા હોય છે જે પોતાના પિતાની દરેક ઈચ્છા અને સપનાને પુરા કરવા માટે દિવસ રાત એક કરી દેતા હોય છે. આવો જ દીકરો છે મૂળ કેશોદના વતની અને હાલ સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતાં હસમુખ ભાઈનો
હસમુખ ભાઈ 25 વર્ષથી હીરા ઘસવાનું કામ કરે છે. તે વર્ષોથી પરિવાર સાથે સુરતમાં રહે છે. તેમનું સપનું હતું કે તેમનો દીકરો ડોક્ટર બને. પરંતુ મધ્યમવર્ગના આ પરિવાર પાસે ભૌતિક સુખના સાધનોની કમી હતી. પરંતુ તેમ છતાં પિતાએ દીકરા મૌલિકના અભ્યાસ માટે જરૂરી દરેક વસ્તુ પુરી પાડી અને તેના માટે દિવસ રાત એક કરી અને મહેનત કરી.
દીકરા મૌલિકે પણ પોતાના પિતાને મહેનત કરતા જોયા હતા તેથી તેણે પણ નક્કી કર્યું હતું કે તે મહેનત કરી પિતાની મહેનતને સફળ બનાવશે. મૌલિકે ધોરણ 12માં મહેનત કરી અને સારા ટકા મેળવ્યા અને મેડિકલ કોર્સમાં એડમિશન મેળવ્યું.
ડોક્ટર બનવા માટે પણ તે દિવસમાં 18 કલાક સતત વાંચતો અને મહેનત કરતો. આ રીતે મહેનત કર્યા બાદ તેણે ડોક્ટરની ડીગ્રી મેળવી અને પોતાના પિતાનું સપનું પુરું કર્યું. દીકરાને જ્યારે ડોક્ટર તરીકે ડીગ્રી મળી તો તેને જોઈ તેના પિતાની આંખમાં પણ આંસુ આવી ગયા
તેના પિતાનું કહેવું છે કે તેનું જીવન તો હીરા ઘસવામાં પસાર થઈ ગયું. પરંતુ તેના બાળકોનું જીવન સુધરે તે માટે તેઓ મહેનત કરતા હતા. અને દીકરાની સફળતા સાથે તેમની આ મહેનત સફળ થઈ ગઈ.