ગુજરાતમાં ઘણા પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે. અહીં બિરાજતા દેવી-દેવતાઓમાં ભક્તોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી હોય છે. આવું જ એક ચમત્કારિક મંદિર વીરપુર ખાતે આવેલું છે. આ મંદિર પણ એવું છે કે જ્યાં દર્શન કરવા માત્રથી જ દુઃખનો અંત આવી જાય. આ ચમત્કારિક પ્રાચીન મંદિર છે નાગદેવતા નું મંદિર.
જલારામ ધામ તરીકે પ્રખ્યાત વિરપુરમાં નાગદેવતાનું પૌરાણિક મંદિર આવેલું છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. નાગદેવતા ના આ મંદિર વિશે માન્યતા છે કે આ મંદિર 400 વર્ષથી વધારે જૂનું છે. અહીં બિરાજતા નાગદેવતાને આહપાદાદા તરીકે પણ ઓળખાય છે.
આ મંદિર ખાતે નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામે છે. સામાન્ય દિવસો દરમિયાન પણ અહીં આવતા ભક્તો નાગદેવતાની પૂજા કરવા અને દર્શન કરવા આવતા હોય છે. ભક્તોનું કહેવું છે કે અહીં દર્શન કરવાથી તેમના મનની ચિંતા દૂર થઈ જાય છે. સ્થાનિકોનું કહેવું છે કે નાગ પંચમીના દિવસે આખું ગામ આ નાગદેવતા ની પૂજા કર્યા પછી જ ભોજન ગ્રહણ કરે છે.
આ નાગદેવતાના પ્રસાદ નો મહિમા પણ અનોખો છે. માન્યતા છે કે નાગ પંચમીના દિવસે જે પણ વ્યક્તિ અહીંનો પ્રસાદ ગ્રહણ કરે છે તેને ક્યારેય સાપ ડંખ મારતો નથી. તેથી અહીં નાગદેવતાના દર્શન કરવા અને તેમનો પ્રસાદ ગ્રહણ કરવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.