ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ રાજ્યમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસાદ પણ નોંધાઈ ચૂક્યો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા એક મહત્વની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યભરમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ થશે તેવી આગાહી કરી છે. જોકે કેટલાક જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદનું જોર વધારે રહેશે. આ સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. ઓગસ્ટ મહિનાના પહેલા જ સપ્તાહમાં ફરી એક વાર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જૂન અને જુલાઈ માસ દરમિયાન પણ રાજ્યમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. આ વર્ષે જુલાઈ માસ દરમિયાન રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો હતો.
જૂન અને જુલાઈ માસ દરમિયાન થયેલા વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ઓવર ફ્લો થયા છે. આ સિવાય કેટલાક જળાશયો તેની સંગ્રહ ક્ષમતા થી ૯૦ ટકા ભરાઈ ચૂક્યા છે. તેવામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદ થશે તેવી આગાહી કરતા કેટલાક ડેમની હાય એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતમાં સાતથી 9 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં જામનગર પોરબંદર રાજકોટ અને દ્વારકામાં હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આ વખતે ભારે વરસાદ થાય તેવી સંભાવના છે.