હજારો પરિવારના સંતાનો જે આર્મીમાં જોડાય છે તે આર્મીના જવાન બનીને પોતાના પરિવારને છોડી દેશની સેવામાં પોતાનું જીવન પસાર કરે છે. લોકો તો આરામથી પોતાના ઘરે દિવાળી સહિતના તહેવારો ઉજવે છે પરંતુ ઘર છોડીને ગયેલા જવાનો સતત ખડે પગે રહીને પોતાનું જીવ જોખમમાં મૂકીને દેશની સુરક્ષા કરે છે.
દેશની સેવા કરીને આર્મી જવાનો જ્યારે ફરજ પરથી પરત ફરે છે ત્યારે તેના પરિવારજનો પણ ગર્વ અનુભવતા હોય છે. આર્મી જવાન જ્યારે પરિવારને છોડીને સરહદે જાય છે ત્યારે પરિવારના લોકોને પણ ખબર હોતી નથી કે તેનો ચહેરો તે ફરીથી જોઈ શકશે કે પોતાનો પુત્ર દેશ માટે શહીદ થઈ જશે. આવામાં જ્યારે જવાનું પોતાની ફરજ પૂરી કરીને વતન પાછા આવે છે ત્યારે તેનું ખાસ સન્માન કરવામાં આવે છે.
તાજેતરમાં જ ગીર સોમનાથનો એક દીકરો જેનું નામ અજયસિંહ છે તે આર્મીમાં પોતાની ફરજ પૂરી કરીને વતન પરત ફર્યો હતો. કોડીનાર તાલુકાના દેવાળી ગામનો વતની અજયસિંહ 19 વર્ષ દેશની સેવા કરીને રિટાયર થઈ પોતાના વતન પરત આવ્યો. જ્યારે દેશની સેવા કરી નિવૃત્ત થઈ તે ઘરત પરત ફર્યા ત્યારે લોકોએ તેનું ભવ્ય રીતે સ્વાગત કર્યું.
તેને ખુલ્લી જીપમાં બેસાડી અને રેલી કાઢવામાં આવી હતી. સાથે જ ગામના યુવાનોએ બાઈક ચલાવી અને તેના ઉપર ફૂલોનો વરસાદ કરી દીધો હતો. ડીજેના તાલ સાથે તેમને ગામના પાદરથી તેમના ઘર સુધી લઈ જવામાં આવ્યા હતા. તેમના સ્વાગત માટે આખા ગામના હજારો લોકો એકત્ર થયા હતા અને ખૂબ જ ભવ્ય રોડ શો કરવામાં આવ્યો હતો.