52 માંથી 4 શક્તિપીઠ આવેલા છે ગુજરાતમાં, આ મંદિરના દર્શન કરવા છે જીવનનો લાહવો

જ્યારે રાજા દક્ષ એ યજ્ઞ કર્યો અને પોતાના જમાઈ મહાદેવને આમંત્રણ ન આપ્યું. આ વાતથી સતી માતા ક્રોધિત થયા અને તેમણે યજ્ઞ કુંડમાં આહુતિ આપી દીધી. આ વાતથી શિવજી ક્રોધિત થયા અને સતિના શબને લઈને તાંડવ કર્યું. આ પરિસ્થિતિમાં જો મહાદેવને રોકવામાં આવ્યા ન હોત તો સૃષ્ટિનો નાશ થઈ જાત. તેથી ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતી માતાના શરીરના ટુકડા કર્યા અને માતાનું શરીર પૃથ્વી પર 52 જગ્યાએ પડ્યું. આ જગ્યાઓએ શક્તિપીઠની સ્થાપના થઈ.

વિશ્વભરમાં 52 શક્તિપીઠ આવેલા છે. તેમાંથી ચાર શક્તિપીઠ આપણા ગુજરાતમાં આવેલા છે. આ મંદિરો ક્યાં આવેલા છે અને ત્યાં કેવી રીતે પહોંચી શકાય ચાલો તે પણ જણાવીએ.

અંબાજી – અંબાજી ખાતે માતા સતી નું હૃદય પડ્યું હતું તેથી આ ખૂબ જ મહત્વનું શક્તિપીઠ છે અહીં આવેલા ગબ્બરને આરાસુર પર્વત તરીકે ઓળખાય છે એવું માનવામાં આવે છે કે અહીંયા આરાસુર સહિતના મહિસાસુર શુભ અને નિશુંભ જેવા રાક્ષસોનું માતાએ નાશ કર્યો હતો.

અંબાજી મંદિરને ચાચર ચોક તરીકે પણ ઓળખવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણની બાબરી અહીં કરવામાં આવી હતી અને ભગવાન શ્રીરામ પણ માતાના દર્શન કરવા આવ્યા હતા. અહીં પૂનમ ભરવા માટે દર મહિને મોટી સંખ્યામાં ભક્તો આવે છે. આ મંદિર બનાસકાંઠામાં આવેલું છે અને અહીં પહોંચવા માટે બસની સુવિધાઓ છે.

પાવાગઢ – અમદાવાદની ખુબ જ નજીક આવેલું છે પાવાગઢ શક્તિપીઠ. પાવાગઢ ફરવા માટેની પણ સારી જગ્યા છે. પાવાગઢના ડુંગર ઉપર માતા સતીના જમણા પગની આંગળી પડી હતી તેથી અહીં પણ શક્તિપીઠની રચના થઈ. અહીં માતા મહાકાળી સ્વરૂપે બિરાજે છે.

માતાએ અહીં રક્તબીજ નામના રાક્ષસનો વધ કર્યો અને તેના શરીરનું બધું જ રક્ત પી ગયા હતા. મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય છે. ભક્તો માટે અહીં પગથિયા ઉપરાંત રોપવેની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ મંદિર પંચમહાલ જિલ્લાના હાલોલ થી નજીક આવેલું છે. અહીં પહોંચવા માટે પણ સરળતાથી બસની સુવિધા મળી રહે છે.

બહુચરાજી – બહુચરા મંદિર મહેસાણા પાસે આવેલું છે અહીં માતા સતી નો ડાબો હાથ પડ્યો હતો. આ મંદિર વિશે એવી માન્યતા છે કે જો બાળક સમયસર બોલતા ન શીખે અથવા તો અટકી અટકીને બોલે તો આ મંદિરની માનતા રાખવાથી બાળક બોલતું થાય છે. ચૈત્ર મહિનામાં મોટો મેળો ભરાય છે. બહુચર મંદિર થી 14 કિલોમીટર દૂર મોઢેરા નું સૂર્યમંદિર પણ આવેલું છે.

ભરૂચનું અંબાજી શક્તિપીઠ – ભરૂચ નજીક અંબાજી માતાનું મંદિર આવેલું છે જેમાં ચંદન અને સુખડમાંથી બનાવેલી માતાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે આ મંદિર ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલું છે. આ મંદિર ખાતે પણ દર્શન કરવા આવનાર ભક્તોની ઈચ્છાઓ પૂરી થાય છે.

Leave a Comment