ઘણી વખત આપણને અદભુત વસ્તુઓ જાણવા મળતી હોય છે. આ ઘટના એવી હોય કે જેની તમે કલ્પના પણ કરી ન હોય. આજે તમને આવી જ એક વાત વિશે જણાવીએ જે ખૂબ જ ચર્ચામાં છે. પાણીમાં રહેતો મગર માંસાહારી પ્રાણી ગણાય છે પરંતુ આજે તમને એક શાકાહારી મગર વિશે જણાવીએ. આ મગર છેલ્લા 70 વર્ષથી શાકાહારી જીવન જીવી રહ્યો હતો અને તે એક મંદિરની રક્ષા કરતો હતો
આ ઘટના સામે આવી છે કેરળ થી જ્યાં શાકાહારી મગર બાબીયાનું નિધન થયું હતું. આ મગર આનંદ પદ્મનાભ મંદિરની રક્ષા કરતો હતો. તેનું નિધન પણ મંદિરમાં જ થયું હતું. છેલ્લા 70 વર્ષથી ભક્તો પણ મંદિરમાં મગરને ફરતો જોતા. મંદિરના પૂજારી માટે પણ આ મગર દિવ્ય અવતાર સમાન હતો.
મગર બપોરે પાણીમાંથી બહાર આવતો અને ગુફાની રક્ષા કરવા માટે ફરતો. મંદિરમાં પૂજારીઓ તેને દિવસમાં બે વખત પ્રસાદ આપતા હતા. આ પ્રસાદ સિવાય મગર ક્યારે કોઈ પણ પ્રાણીનો શિકાર કરતો નહીં અને લોકોને પણ હેરાન ન કરતો.
માન્યતા છે કે વર્ષો પહેલા આ મંદિરમાં એક મહાત્મા તપસ્યા કરતા હતા. ત્યારે ભગવાન કૃષ્ણ બાળકના સ્વરૂપમાં આવ્યા અને મહાત્માને હેરાન કરવા લાગ્યા. મહાત્માએ ગુસ્સે થઈને બાળકને તળાવમાં ધકેલી દીધું. ત્યાર પછી તેને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે બાળકને તળાવમાં શોધ્યો પણ પાણીમાં કંઈ મળ્યું નહીં. પરંતુ તળાવમાં એક તિરાડ પડી ગઈ અને તેમાંથી એક મગર બહાર આવ્યો. ત્યારથી લોકો આ મગરને દિવ્ય આત્મા તરીકે પૂજે છે.
માછલી કે અન્ય કોઈ પ્રાણી ખાતો નહીં તે ભગવાનના દર્શન કરવા માટે બહાર આવતો અને પ્રસાદ ખાઈને ફરીથી તળાવમાં જતો રહે. સ્થાનિક લોકો માટે પણ આ મગર મંદિરનો જ એક ભાગ હતો. હવે તેનું નિધન થઈ જતા લોકોમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ. મંદિરના સ્વયંસેવકોએ મગરની અંતિમ ક્રિયા સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરી અને ગામના લોકોએ તેમાં હાજરી પણ આપી.