તાજેતરમાં વધુ એક ઘટના સામે આવી છે જેમાં એક નવજાત બાળકીને તરછોડી દેવામાં આવી છે. જાણવા મળતી માહિતી અનુસાર એક નવજાત બાળકીને બાજરાના ખેતરમાં ઘા કરી દેવામાં આવી હતી. બાળકી એક દિવસ સુધી ખેતરમાં પડી રહી અને બીજા દિવસે કોઈ મહિલાએ તેનો અવાજ સાંભળ્યો તો તેને લઈ હોસ્પિટલમાં દાખલ કરી હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર બાજરાના ખેતરમાં મજૂરી કામ કરવા આવેલા એક મહિલાને ખેતરમાંથી બાળકીનો રડવાનો અવાજ સંભળાયો હતો. તેણે જોયું તો એક નવજાત બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં પડી હતી. તેને ઈજા થઈ હતી અને ઈજાના ઘામાં ખેતરમાં ફરતાં કીડા ચોંટી ગયા હતા જેના કારણે બાળકી ખુબ જ તકલીફમાં હતી.
મહિલાએ બાળકીને ઉચકી લીધી અને લોકોને આ બાબતે જણાવી તેને તુરંત હોસ્પિટલમાં ખસેડી. ડોક્ટરોએ બાળકીની નાજુક હાલત જોઈ તેને તુરંત આઈસીયુમાં દાખલ કરી અને સારવાર શરુ કરી.
ડોક્ટરોનું જણાવવું હતું કે બાળકી તાજી જન્મેલી છે અને ખેતરમાં તેને ઘા કરી હશે જેના કારણે તેને ઈજા થઈ હતી. બાળકી ખેતરમાં એક દિવસ પડી રહી તેના કારણે તેના ઘામાં કીડા ચોંટી ગયા હતા. સાથે જ તેના માથામાં પણ જીવજંતુ ચોંટી ગયા હતા. ડોક્ટરોને આ કીડા કાઢતાં એક દિવસ લાગ્યો હતો.
આ મામલે પોલીસે પણ તપાસ શરુ કરી છે. ખેતરની આસપાસના વિસ્તારોમાં તપાસ શરુ કરવામાં આવી હતી કે તાજેતરમાં કોઈને ત્યાં સંતાનનો જન્મ થયો છે કે કેમ. જો કે બીજી તરફ ડોક્ટરો બાળકીને બચાવવા સતત પ્રયત્ન કરી રહ્યા હતા. પરંતુ 10 દિવસની સારવાર છતાં બાળકીનો જીવ બચાવી શકાયો નહીં. બાળકી દસ દિવસની સારવાર બાદ મૃત્યુ પામી. બાળકી સાથે આવી હરકત કરનારને લઈને સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી જોવા મળી રહી છે.