આપણી આસપાસ ઘણી વાર એવી ઘટનાઓ બની જતી હોય કે જેના વિશે જાણીને કહેવાનું મન થાય કે કળિયુગમાં પણ માણસાઈ જીવત છે. આવી જ એક ઘટના તાજેતરમાં મહેસાણામાં બની છે.
મહેસાણાના આ ગરીબ પરિવારની દીકરીના લગ્ન આખા ગામના લોકોએ મળીને ધામધૂમથી કરાવ્યા. જાણવા મળતી માહિતી અનુસાર આ પરિવાર પાકિસ્તાનના હૈદરાબાદમાં રહેતો હતો. પરંતુ રોજગારીની સમસ્યાના કારણે ચેતનભાઇ રાઠોડ ત્રણ વર્ષ પહેલાં ભારત આવ્યા અને મહેસાણાના કુકસ ગામે રહેવા લાગ્યા.
અહીં ખેતરમાં મજૂરી કરીને તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેથી દીકરી ના લગ્ન કરાવવા માટે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હતી અને દીકરીના લગ્નનો ખર્ચ તે ઉઠાવી શકે તેમ ન હતા.
ચેતનભાઇ ને ચિંતા હતી કે તેની દીકરીના લગ્ન કેવી રીતે થશે. જોકે વર્ષોથી બધા સાથે સારી રીતે રહેતા ચેતનભાઇની મદદથી આખું ગામ આવ્યું. ગામ લોકોએ મંડપ જમણવાર દીકરીના કરિયાવર સહિતની વસ્તુનો ખર્ચ એકબીજા વચ્ચે વહેંચી લીધો. ગામના લોકોએ દીકરીના લગ્ન ધામધૂમથી કરાવ્યા.
ગામ લોકોના સહયોગથી દીકરીના લગ્ન સારી રીતે થઈ જતા ચેતનભાઇ પણ ભાવુક થઈ ગયા હતા. તે પોતે પણ રડી પડ્યા અને બોલી ઉઠ્યા કે ગામ લોકોએ જે કર્યું તે કદાચ પોતે પણ કરી શક્યા ન હોત. કોઈપણ જાતનો સંબંધ ન હોવા છતાં કુકસ ગામના લોકોએ ગરીબ દીકરીના લગ્ન કરાવીને જે માનવતાનું ઓછું ઉદાહરણ પૂરું પાડ્યું છે તેના વખાણ આજે દેશભરમાં થઈ રહ્યા છે.