ગુજરાતમાં ધામધૂમથી લગ્ન થઈ રહ્યા છે. અનેક લગ્નમાં લોકો અવનવા પ્રયોગો કરતા જોવા મળે છે. આવા જ એક લગ્ન હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
આ લગ્ન જામનગરમાં યોજાયા હતા. જેમાં જામનગર શહેરની ગલીઓમાં એક શાહી ફુલેકુ નીકળ્યું હતું. જેમ રાજા મહારાજા હાથીની સવારી કરીને ફુલેકામાં નીકળતા હોય તેમ એક કન્યા પોતાના ઘરથી હાથી પર સવાર થઈને વાંચતે ગાજતે મંડપ સુધી પહોંચી હતી.
સામાન્ય રીતે વરરાજા વરઘોડો લઈને નીકળતા હોય છે પરંતુ આ ફુલેકાની ખાસ વાત એ હતી કે નવ વધુ બિનલબા પરંપરાગત પહેરવેશ પહેરીને હાથીની સવારી કરીને લગ્નના માંડવે પહોંચ્યા હતા. આ લગ્ન માત્ર જામનગરમાં જ નહીં પરંતુ ગુજરાત ભરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ લગ્નના માધ્યમથી દીકરી અને દીકરો એક સમાન છે તે વાતને સંદેશ પણ પૂરો પાડવામાં આવ્યો છે. દાદાએ પોતાની દીકરીની ઈચ્છા પૂરી કરવા માટે આ કામ કર્યું હતું.
બિનલબાની ઈચ્છા હતી કે હાથીની અંબાડી ઉપર તેનો વરઘોડો નીકળે અને હાથી પર બેસીને તે લગ્ન ના માંડવે જાય. આ ઈચ્છા પૂરી કરવા માટે તેના દાદા અરવિંદસિંહ સરવૈયાએ હાથીને શણગારી અને તેની ઉપર બેસાડીને વાંચતે ગાજતે દીકરીને મંડપ સુધી લાવી હતી.
સામાન્ય રીતે લોકો ઘોડા ઉપર કે રૂફટોપ ગાડીમાં બેસીને માંડવા સુધી જાય છે. પરંતુ બિનલબાની ઈચ્છા હતી કે તે હાથીની અંબાડી પર બેસીને માંડવા સુધી જાય. તેની આ ઈચ્છા તેના દાદાએ પૂરી કરી અને લોકો પણ તેનું ફૂલેકું જોતા રહી ગયા હતા. હાથીની અંબાડી પર બેસીને બિનલબાઈએ તલવાર પણ ફેરવી હતી જેને જોઈને લોકો મંત્રમુગ્ધ થયા.