રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં સિંહોની એન્ટ્રી થઈ છે. ગોંડલના ત્રાડુકાના હડમતીયા જવાના પંથકમાં સિંહ જોવા મળ્યા હતા. સિંહ ધૂળિયા રસ્તા પર લટાર મારતા કેમેરામાં કેદ થયા હતા. મહત્વનું છે કે ગોંડલ તાલુકામાં છેલ્લા 3 દિવસથી એક સિંહ પરિવારે ધામા નાખ્યા છે.
ગત રાત્રે સિંહ પરિવાર હડમતિયા અને ઉમરાળીની સીમમાં જોવા મળ્યો હતો. આ સિંહ પરિવાર ત્રાડુકા, હડમતીયા, ઉમરાળીના સીમ વિસ્તારમાં આંટા ફેરા કરતો જોવા મળે છે. હડમતીયા ખાતે સિંહ પરિવાર એક બળદનું મારણ પણ કર્યું હતું.
સિંહ પરિવારની દરેક હિલચાલ પર ફોરેસ્ટ અધિકારીઓ જેમાં આરએફઓ દીપકસિંહ જાડેજા, એચ.એમ. જાડેજા અને પીએમ ચુડાસમાસિંહનો સમાવેશ થાય છે તેઓ નજર રાખી રહ્યા છે. સિંહ પરિવારના પગના નિશાનના આધારે તેમના પર વોચ રાખવામાં આવી રહી છે.
છેલ્લા કેટલાક દિવસથી સિંહ પરિવાર ગોંડલ પંથકમાં સ્થાયી થયો છે. તેને લઈને લોકોમાં પણ ફફડાટ છે. જો કે વન વિભાગ સિંહ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. સાથે જ વન વિભાગે જાહેર કર્યું છે કે આસપાસના વિસ્તારમાં ખેડુતોએ માલ સામાન અને ઢોરને સલામત રાખવા જો વીજ તાર લગાવ્યા હોય તો હાલ તેમાં વિજળી બંધ રાખવી જેથી સિંહોને તેનાથી હાનિ ન પહોંચે.