આજના સમયમાં યુવાનોને સ્વાસ્થ્ય માટે પણ ચાલવું પસંદ નથી કારણકે મોટાભાગના લોકોને ચાલવાની આળસ થાય છે. વાહન ન હોય ત્યારે જો થોડું પણ ચાલવું પડે તો લોકો હેરાન પરેશાન થઈ જાય છે. તેવામાં એક યુવાન બારે જ્યોતિર્લિંગની પગપાળા યાત્રા કરવા નીકળ્યો છે. આવું કરવા પાછળ એક અનોખો ઉદ્દેશ છે. જે આજના સમયના યુવાનો માટે પ્રેરણા રૂપ કહી શકાય.
જીવનમાં સુવિધાઓ વધી જતા દરેક વ્યક્તિને આરામથી જીવન જીવવું ગમે છે પરંતુ આવી સ્થિતિમાં એક યુવાન દેશભરમાં આવેલા બાર જ્યોતિર્લિંગના દર્શન પગપાળા યાત્રા કરીને કરી રહ્યો છે. અત્યાર સુધીમાં આ યુવાને 13000 કિલોમીટરની યાત્રા કરીને મહાદેવના દર્શન કર્યા છે.
ભારતમાં સનાતન ધર્મ કાયમ રહે અને ભારત અખંડ બને તે માટે તેને સંકલ્પ કર્યો છે કે તે ભારતમાં આવેલા બાર જ્યોતિર્લિંગના દર્શન પગપાળા ચાલીને કરશે. આ વ્યક્તિ ઉત્તર પ્રદેશના મેરઠનું રહેવાસી છે અને તેનું નામ દીપક ગુર્જર છે.
દિપક એ અત્યાર સુધીમાં બદ્રીનાથ કેદારનાથ ઓમકારેશ્વર અને મહાકાલેશ્વર ના દર્શન કર્યા છે અને હવે તે સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે નીકળ્યો છે. આ યુવક યાત્રા કરતાં ઉપદેશ આપે છે કે સનાતન ધર્મનો વધારેમાં વધારે પ્રચાર થાય અને લોકો વધુને વધુ વૃક્ષ વાવે. ક્યાંથી પણ નીકળે છે ત્યાં તેના ઉમદા ઉદેશની પ્રશંસા થઈ રહી છે.