ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાને ઉપડી પ્રસુતિની પીડા, પાસે બેઠેલી મહિલાએ ચાલુ ટ્રેને કરાવી ડિલિવરી અને….
આજે પણ જ્યારે કોઈ વ્યક્તિ મુસીબતમાં મુકાય જાય છે ત્યારે લોકો તેની મદદ કરવા દોડી આવતા હોય છે. સંકટના સમયમાં લોકો એકબીજા માટે બધું જ કરે છે. આવી જ ઘટના ઉત્તરપ્રદેશમાંથી પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં એક મહિલાએ બીજી મહિલાને મદદ એવી રીતે કરી છે કે તેના વખાણ ચારેતરફ થઈ રહ્યા છે.
અહીં ટ્રેનમાં એક ગર્ભવતી મહિલા મુસાફરી કરી રહી હતી. લલિતપુરની આ ઘટનામાં મહિલા દુરંતો એક્સપ્રેસમાં મુસાફરી કરી રહી હતી તે દરમિયાન તેને પ્રસુતિની પીડા શરુ થઈ અને તેની સાથે હતા તે લોકોએ આ અંગે ટીટીને જાણ કરી.
રીના બગેલ નામની મહિલા સાથે તેનો પતિ પણ હતો. તેઓ વલસાડથી ઝાંસી જઈ રહ્યા હતા. ટીટીએ તુરંત સુચના આગળ આપી. તે દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરતી અન્ય એક મહિલા આગળ આવી અને તેણે પીડામાં રહેલી મહિલાની મદદ કરી અને ચાલુ ટ્રેનમાં તેની પ્રસુતિ કરાવી.
ટીટીએ અગાઉથી જાણ કરી હોવાથી જ્યારે સ્ટેશન આવ્યું ત્યારે એમ્બ્યુલન્સ અને અન્ય મેડીકલ ટીમ સ્ટેશન પર હાજર હતા અને તુરંત મહિલાને ટ્રેનમાંથી ઉતારી તેના બાળક સાથે હોસ્પિટલ ખસેડવામાં આવી.