જ્યારે કોઈ દંપતી માતા પિતા બને છે તો તેમના જીવનનું કેન્દ્ર સ્થાન તેમનું સંતાન બની જાય છે. સંતાન એક હોય કે બે માતા પિતા તેમની દરેક ઈચ્છા ને પૂરી કરવા દિવસ રાત એક કરી દેતા હોય છે. માતા પિતા તેના સંતાનોને પ્રેમમાં પણ ખોટ પડવા દેતા નથી. પરંતુ આજે પણ સમાજમાં કેટલાક એવા કિસ્સા બને છે જેમાં એક કરતાં વધુ સંતાનો પણ મૃત માતા પિતાને સંભાળી શકતા નથી અને માતા પિતાને વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર થવું પડે છે.
આજે તમને એક આવા જ માતા પિતાની આપ વીતી જણાવીએ. આ વૃદ્ધ દંપત્તિ ને એક નહીં પણ ત્રણ ત્રણ સધ્ધર દીકરા છે. તેમ છતાં તેઓ પોતાનું જીવન વૃદ્ધાશ્રમમાં રહીને પસાર કરી રહ્યા છે. આ દંપતિ હાલ મહેસાણાના ઉંઝા તાલુકામાં આવેલા સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ આશ્રમમાં રહે છે.
સમાજમાં રહેતા લોકો આધુનિક થઈ રહ્યા છે પરંતુ ઘણા ઘર એવા છે કે જેમના વૃદ્ધ માતા પિતા વૃદ્ધાશ્રમમાં રહી રહ્યા છે. સ્વામી સચ્ચિદાનંદ વૃદ્ધાશ્રમ ના ટ્રસ્ટી પોપટભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આ વૃદ્ધાશ્રમમાં 23 લોકો રહે છે. એટલે કે 23 સંતાનો એવા છે જેણે કોઈને કોઈ કારણોસર પોતાના માતા પિતાને છોડી દીધા છે. આ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને સવારે ચા નાસ્તો બપોરે જમવાનું સાંજે ચા અને જમવાનું આપવામાં આવે છે.
અહીં રહેવા માટે વૃદ્ધોને કોઈપણ પ્રકારની ફી આપવી પડતી નથી.. રહેવા માટે પણ તેમને ઉત્તમ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. વૃદ્ધાશ્રમની સ્થાપના ત્રીસ વર્ષ પહેલાં થઈ હતી અને ત્યારથી અહીં કાંતાબેન સેવા આપી રહ્યા છે. અહીં મહેસાણાના મંગુબેન નામના મહિલા રહે છે. તેમનું જણાવવું છે કે તેમને 3 દીકરા છે. દીકરા સધ્ધર છે પણ માતાને સાથે રાખતા નથી તેના કારણે તેમણે વૃદ્ધાશ્રમમાં આવવું પડ્યું.
તેમની આંખમાં એ કહેતા પાણી આવી ગયા કે તેના ત્રણેય દીકરાઓએ ઘર અને જમીનના કાગળિયા ઉપર માતાની સહી કરાવી લીધી અને પછી તેને તરછોડી દીધા જેના કારણે તેમને વૃદ્ધાશ્રમમાં આવીને રહેવું પડ્યું.
આ વૃદ્ધાશ્રમમાં આવી રીતે રહેતા એક નહીં અનેક માતા પિતા છે. જોકે જેમને પોતાના સંતાનોએ તરછોડી દીધા છે તેવા માતા પિતાને આ વૃદ્ધાશ્રમમાં ખૂબ જ પ્રેમથી રાખવામાં આવે છે.