મહેશભાઈ સવાણી આ વર્ષે કરાવશે 300 દીકરીઓના લગ્ન, સમૂહ લગ્નમાં 1 લાખ લોકો લેશે અંગદાનના સોગંદ

ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને હજારો દીકરીઓના પાલક પિતા બનેલા મહેશ સવાણી ફરી એક વખત ચર્ચામાં છે. મહેશ સવાણી તેમના સેવાકીય કાર્યો અને પિતા વિનાની દીકરીના લગ્ન કરાવવા માટે દેશભરમાં જાણીતા છે. આ સિવાય પણ તેમનો પરિવાર સેવાકીય કાર્યોમાં સતત આગળ રહે છે.

સવાણી પરિવાર દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરે છે જેમાં પિતા વિનાની દીકરીઓના લગ્ન કરાવવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પી પી સવાણી ગ્રુપ દ્વારા 24 અને 25 ડિસેમ્બરના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આ સમૂહ લગ્ન માં 300 જેટલી પિતા વિનાની દીકરીઓના લગ્ન કરાવવામાં આવશે. જેમાંથી ચાર દીકરીઓ મુસ્લિમ સમાજની છે અને એક દીકરી ખ્રિસ્તી સમાજની છે.

દરેક દીકરીના લગ્ન તેમના સમાજના રીત રિવાજ મુજબ કરાવવામાં આવશે અને હાલ પી પી સવાણી ગ્રુપ દ્વારા સમૂહ લગ્નની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ વર્ષે સમૂહ લગ્નમાં એક સાથે એક લાખથી વધુ લોકો અંગદાન માટે સોગંદ લેશે. આ ઉપરાંત 1000 વિદ્યાર્થીને દત્તક યોજના અંતર્ગત દત્તક લેવામાં આવશે. આ બાળકો એવા હશે જેમને માતા-પિતા ગુમાવ્યા છે અથવા તો દિવ્યાંગ છે. આ દીકરા દીકરીઓને દત્તક પરિવાર અભ્યાસ સહિતની મદદ કરશે.

મહેશ સવાણી અને તેમના પરિવાર દ્વારા અત્યાર સુધીમાં 4872 થી વધુ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે. મહેશ સવાણી માત્ર દીકરીઓના લગ્ન કરાવે છે એટલું જ નથી પરંતુ લગ્ન બાદ પિતાની બધી જ ફરજ પણ તેઓ નિભાવે છે.

Leave a Comment