શક્તિપીઠમાંથી એક એવું હિંગળાજ માતાનું મંદિર આવેલું છે પાકિસ્તાનમાં, આજ સુધી નહીં જાણી હોય આ મંદિરની વિશેષતા તમે પણ

નવરાત્રીના તહેવાર દરમિયાન માતા નવ દુર્ગાના નવ સ્વરુપની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમની આરતી, ઉપાસના કરવામાં આવે છે. સાથે જ આ સમય દરમિયાન શક્તિપીઠ ખાતે પણ દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. 51 શક્તિપીઠમાંથી એક શક્તિપીઠ પાકિસ્તાનમાં પણ આવેલું છે.

પાકિસ્તાનમાં આવેલું હિંગળાજ માતાનું મંદિર ખૂબ જ પ્રખ્યાત અને અનોખું છે. જયપુરના પુત્રી પદ્મિની કુમારી પાકિસ્તાનના બલુચિસ્તાનના અમરકોટ રાજ પરિવારના પુત્રવધુ બન્યા છે. તેમણે આ મંદિર વિશે જાણકારી આપી હતી. આ મંદિરની વિશેષતા અનોખી છે.

આ મંદિર પાકિસ્તાનના કરાંચીથી 252 કિલોમીટર દુર છે. બલુચિસ્તાનના લસબેલા નામની જગ્યામાં આ મંદિર આવેલું છે. અહીં મંદિર નજીકથી હિંગળાજ નદી વહે છે. જો કે નવરાત્રી દરમિયાન તેમાં પાણી હોતું નથી તેથી પ્રવાસીઓ અહીં આરામ કરવા રોકાઈ શકે છે.

લોકો સિંધ પ્રાંતના મખલી નજીકના ગામમાંથી 600 થી 700 કિલોમીટર પગપાળા પ્રવાસ કરીને મંદિરે દર્શન કરવા જતા હોય છે. અહીં ભારતથી પણ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.

આ મંદિરમાં પૂજા રાણા ચંદ્રસિંહના પુત્ર હમીરજી અને તેના પુત્ર કરણસિંહની દેખરેખમાં કરવામાં આવે છે. અમરકોટથી અહીં પુજારીઓ આવે છે. નવરાત્રી દરમિયાન અહીં નવ દિવસ ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત થાય છે. અહીં ગણેશજીની પાણીથી ભરેલા કળશમાં નાળિયેર મુકી સ્થાપના કરવામાં આવે છે.

અહીં નવગ્રહ શાંતિ પૂજા, સૂર્ય પૂજા નિયમિત થાય છે. અહીં ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાના વિશાળ મંદિરમાં ભક્તો આસ્થા સાથે શીશ ઝુકાવે છે.

Leave a Comment